savar kundla news

સાવરકુંડલા: દિવાળીની રાત્રે બે ગામ વચ્ચે ફટાકડા યુદ્ધ રમાય છે, જોવા માટે દેશ-વિદેશથી અહિયાં પહોંચે છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે આ યુદ્ધ યોજાય છે. આ યુદ્ધને ઈંગોરિયા યુદ્ધ કહે છે અને આની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા ગામમાં છેલ્લાં 70 થી પણ વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે.

ઈંગોરિયા યુદ્ધમાં ઈંગોરિયાના વૃક્ષનો ઉપયોગ થતો હોય છે. પણ ચાલુ વર્ષે્ તાઉ-તે વાવાઝોડાને કારણે ઈંગોરિયાનાં વૃક્ષો પડી જતાં એના સ્થાને કોકડાનો ઉપયોગ વધુ થશે. કારીગરો હાલ ઈંગોરિયા અને કોકડા બનાવવામાં વ્યસ્ત છે. તો લોકો ઈંગોરિયા યુદ્ધ રમવા અને જોવા માટે ઉત્સુક છે. આ ઈંગોરિયા યુદ્ધની વિશેષતા જાણકારી આપીએ:

70 વર્ષ કરતાં વધુ જૂની પરંપરા

વર્સો પેહલા એક સમયે અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા આ બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી કરતાં, જે પરંપરા આજે 70 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવે છે. અહી સાવરકુંડલામાં લોકો ઈંગોરિયા યુદ્ધ રમવા માટે યુવાનો દિવાળીની રાતની રાહ જોતા હોય છે. ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે.

સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધ ચોકમાં યુદ્ધ થશે ઈંગોરિયાનું યુદ્ધ

ગયા વર્ષે કોરોનાને કારણે ઈંગોરિયાનું યુદ્ધ રમાયું નહોતું. જોકે આ વર્ષે યુવાનો રમવા માટે ઉત્સાહ સાથે થનગની રહ્યા છે. આ વર્ષે ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલા શહેરના દેવળા ગેટ નજીક રિદ્ધિસિદ્ધિ ચોકમાં જોવા મળશે. આ ઈંગોરિયા યુદ્ધમાં નાનાથી લઈ મોટા લોકો નિખાલસતાથી એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી મજા માણે છે. આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી. લોકો એકબીજાને પ્રેમભાવ અને લાગણીપૂર્વક ઈંગોરિયા ફેંકી રમતની મજા માણે છે.

ઈંગોરિયા શું છે અને કઈ રીતે બને છે ?

ઈંગોરિયા એક વૃક્ષ હોય છે. ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દેવમાં આવે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. એને દિવાળીની રાત્રિએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર હોય છે.

ઈંગોરિયાનું સ્થાન કોકડાએ લીધું

ઈંગોરિયાનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાની આ વર્ષે અછત ઊભી થઈ છે. કોલસો, ગંધક સહિતની સામગ્રી ભરીને ઈંગોરિયાને બનાવવામાં આવે છે, જેની તૈયારી હાલ ચાલી રહી છે. આ વર્ષે ઈંગોરિયાની અછતના કારણે એ મેળવવા મુશ્કેલ બન્યા છે, જેથી ઈંગોરિયારસિયાઓ દ્વારા આ વખતે દોરાની કોકડી લેવામાં આવી છે તેમજ કોલસો, ગંધર સહિત સામગ્રી ભરી ઈંગોરિયાને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અજાણ્યા લોકો માટે આ યુદ્ધ જોખમી

આ રમત જે લોકો વર્ષોથી રમે છે તે લોકો જ વધારે ભાગે રમે છે, કારણ કે તેમને ઈંગોરિયા ફોડવાની અને ફેંકવાની ફાવટ આવી ગઈ હોઈ છે. જેમને ખબર ના હોય તેવા નવા લોકો આ ઈંગોરિયા ફેંકે તો દાઝી જવાની તેમજ તેઓ ઈજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે. અહીં વર્ષોથી આ યુદ્ધ ખેલાય છે, જેથી અહીંના સ્થાનિકો ખૂબ અનુભવી થઈ ગયા છે, જેને કારણે સહેલાઈથી તેઓ આ રમત રમી શકે છે. આ યુદ્ધ અજાણ્યા લોકો માટે જોખમી પણ છે.

દેશ-વિદેશના લોકો યુદ્ધ જોવા આવે છે

પ્રકાશ ગેડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. નાવલી નદીમાં આ રમત રમાય છે. સાવર અને કુંડલા 2 ભાગ છે. એમાં વચ્ચે નદી પસાર થાય છે ત્યાં લોકો સામસામે આવીને ઈંગોરિયા યુદ્ધ કરે છે. આ વર્ષે વાવાઝોડાને કારણે ઈંગોરિયાનાં વૃક્ષો ધરાશાયી થયાં છે, જેથી એની અછત છે. આ યુદ્ધ જોવા માટે બહારના લોકો પણ આવે છે. દેશ-વિદેશમાં રહેતા લોકો પણ પોતાના વતન આ યુદ્ધ નિહાળવા આવે છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.