ગુજરાતમાં 13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન, ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને

પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડવા અને હવામાં પ્રદુષણની માત્રામાં પણ ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલ ઉપયોગ શરૂ કરાયા છે. ઇ-વ્હિકલનો ઉપયોગ વધુને વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રયાસો કરી રહી છે પણ ગુજરાત સરકાર આ મામલે ઢીલુ વલણ બતાવી રહી છે પરિણામે એવી સ્થિતી સર્જાઇ છેકે, ઇલેકટ્રીક વ્હીકલના વપરાશમાં નાનું એવું રાજ્ય આસામે પણ ગુજરાત રાજ્યને પાછળ ધકેલી દીધું છે. રાજ્યમાં 13,270 ઈ-વ્હીકલ સામે માત્ર 27 ચાર્જિંગ સ્ટેશન આવેલા છે.

શિયાળુ સંસદ સત્રમાં કેન્દ્ર સરકારે દેશમાં ઇ-વ્હીકલના વપરાશના લઇને રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં એવુ જણાવાયુ છે કે, દેશમાં યુપી અને દિલ્હીમાં ઇ-વ્હીકલ સૌથી વધુ સંખ્યામાં છે. પેટ્રોલ-ડિઝલનો વપરાસ ઓછો થાય તે માટે કેન્દ્ર સરકારે ઇ-વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપવા ઇ વાહનોના ઉત્પાદન માટેની સ્કિમ માટે રૂા. 25,938 કરોડની ફાળવણી કરી છે તેમજ ગુજરાત સહિત દેશભરમાં ઇ વાહનો માટે ચાર્જીગ સ્ટેશન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. બેટરીની કિમત ઓછી થાય તે માટે પણ કેન્દ્ર સરકારે ઉત્પાદન સબંધિત સ્કિમને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રીક વાહનો પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દીધો છે. તથા ઇલેકટ્રીક વાહનો માટે ટોલ ટેક્સ પણ માફ કરવા કેન્દ્રએ વિચારણા કરી છે. ઉતરપ્રદેશમાં 2.58 લાખ અને દિલ્હીમાં 1.26 લાખ ઇ વાહનો છે. તથા નાનું એવું રાજ્ય આસામમાં પણ કુલ 43,707 ઇ વાહનો છે. જયારે ગુજરાતમાં માત્ર 13,270 જ ઇ વાહનો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઇ વાહનના વપરાશમાં પાછળ રહી ગયું છે. ઇ વાહનોના વપરાશથી હવામાં પ્રદુષણ ઓછુ થાય અને પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઓછો થાય તે અંગે ગુજરાતમાં હજુય ખુદ સરકારની જ ઢીલી નીતિ રહી છે તે વાત જાણે ઉજાગર થઇ રહી છે. PPP ધોરણે જાહેર ઇલેક્ટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન વિકસાવવામાં આવશે. જેમાં 300 જગ્યાએ AMC દ્વારા 1 મહિના માટે 1 રૂપિયા પ્રતિ ચોરસ મીટરથી જગ્યા આપવામાં આવે. બીજા કોઈ કામ માટે જગ્યાનો ઉપયોગ કરી શકાશે નહીં. ટાઉન પ્લાનિંગ અને વિકાસ ચાર્જમાંથી મુકિત આપવામાં આવશે. ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અલગથી બજેટની જોગવાઈ કરવામાં આવશે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.