સાવરકુંડલા નગરપાલિકા ભવન હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે

અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકાની ઇમારત હવે બહારવટિયા જોગીદાસબાપુ ખુમાણ તરીકે ઓળખાશે. નગરપાલિકાની ઇમારતને જોગીદાસ ખુમાણ નામ આપવા અંગે વિચારણા કરીને પાલિકાના જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓનું ગૌરવ એવા જોગીદાસબાપુ ખુમાણનું નામ નગરપાલિકામાં તમામ જ્ઞાતિજનોઓની માંગણી હતી. દરબાર ગઢ ખાતે મળેલી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં જોગીદાસ ખુમાણના નામનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

પાલિકાના નવા બિલ્ડીંગના નિર્માણ દરમિયાન રાજકીય સત્તાના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા નવીનચંદ્ર રવાણીના નામે નવી ઇમારતનું નામ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેને લીધે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સાવરકુંડલાનો ક્ષત્રિય સમાજ લાંબા સમયથી જોગીદાસ ખુમાણના નામની માંગણી કરી રહ્યો છે. જોગીદાસબાપુ ખુમાણનું નામ પાલિકામાં રાખવા બાબતે ભાવનગર નિયામકમાં મામલો ચાલી રહ્યો હતો. હાલમાં ભાજપ શાસિત નગરપાલિકાના જનરલ બોર્ડે નગરપાલિકાના બિલ્ડીંગનું નામ બદલીને જોગીદાસ ખુમાણ રાખવાના મુદ્દે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે.

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના જોગીદાસ ખુમાણ બહારવટીયા હતા. કથાકાર મોરારીબાપુએ જોગીદાસ ખુમાણને 14મો રત્ન પણ કહ્યો હતો. ભાવનગરના મહારાજા સામે જે તે સમયે વાત અને વચન માટે તેઓનું બહારવટુ હતું. ઈતિહાસના પુસ્તકોમાં એવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે જે જોગીદાસ ખુમાણની પ્રામાણિકતા દર્શાવે છે. પાલિકા તંત્ર દ્વારા જોગીદાસ બાપુની પ્રતિમાં નગરપાલિકા બિલ્ડીંગની સામે રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. તેનો પાયો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણયને સમગ્ર ક્ષત્રિય સમાજ સહિત અન્ય જ્ઞાતિના લોકોએ આવકાર્યો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.