વાયુ વાવાઝોડાથી રાજુલા-જાફરાબાદના લગભગ ૨૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના

હવામાન ખાતાની આગાહી અનુસાર ૧૦ થી ૧૪ જૂન સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેશર ઉદભવેલ છે જેના પરિણામે દરિયા કાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓને અસર થવાની શક્યતા છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાંઆવનાર વાવાઝોડા સામે સાવચેતીના પગલાં લેવા માટેની વ્યવસ્થાની માહિતીઓની સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ ૨૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના છે અને આ તમામ વિસ્તારોમાં લગભગ ૧૨૦થી ૧૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત દરિયાઈ સપાટીની ઊંચાઈમાં લગભગ ૧.૫ મીટરનો વધારો થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લગભગ ૪ લાખ લોકોને SMSના માધ્યમથી જાણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી આવા સમયમાં અમરેલી જિલ્લાને NDRF ની ૪ ટીમો અને આર્મીની ૬ ટીમો સહાય કરશે. વીજ થાંભલા અને રોડરસ્તાની દેખરેખ માટે PGVCL અને R&B દ્વારા ટીમબનાવાઈ છે. જિલ્લાની શાળાઓમાં તા: ૧૨ અને તા:૧૩ ના રજા જાહેર કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં તંત્ર દ્વારા અનાજના પૂરતા જથ્થાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત GSRTC ની ૬૦ જેટલી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ. પાડલીયાએ જણાવ્યું હતું કે આરોગ્ય ખાતા દ્વારા વિવિધ જગ્યાએ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવશે. તમામ દરિયાઇકાંઠા વિસ્તારમાં શેલ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ શેલ્ટરોમાં મેડિકલ ટીમોને પણ તૈયાર રાખવામાં આવશે. સગર્ભા મહિલાઓની ખાસ કાળજી લેવા માટે દરેક આંગણવાડી બહેનોને સૂચના આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here