દોઢ મહિના જેવા લાંબો સમય વિત્યા બાદ આખરે અમરેલીની બજારની રોનક પાછી ફરી છે. લોકડાઉનના કારણે પાછલા 45 દિવસથી અમરેલીની બજારો બંધ હતી. પરંતુ ગ્રીન ઝાેન હોવાના કારણે તંત્રની છુટ મળતા જ આજથી શહેરની બજારો ખુલી હતી. અમરેલીમા ઓડ-ઇવન પધ્ધતિ અમલમા મુકાઇ હોય શહેરની અડધી દુકાનો જ ખુલી હતી. એટલુ જ નહી કેટલાક વેપારીઓ એવા પણ હતા. જેને આજે દુકાન ખોલવાની મંજુરી હતી પણ તેમણે દુકાનો ખોલી ન હતી.
અનેક પ્રકારની જરૂરીયાતની વસ્તુઓ લોકો છેલ્લા 45 દિવસથી ન ખરીદી શકયા
બજારો ખુલતાની સાથે જ મોટી સંખ્યામા લોકો પણ જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા નીકળી પડયા હતા. અનાજ, કરિયાણુ, દુધ, શાકભાજી, ફળ કે દવા જેવી વસ્તુઓ તો આમપણ શહેરીજનોને રોજે રોજ મળી જતી હતી. પરંતુ બાકીની દુકાનો બંધ હોવાથી અનેક પ્રકારની જરૂરીયાતની વસ્તુઓ લોકો છેલ્લા 45 દિવસથી ખરીદી શકયા ન હતા. આવી જરૂરીયાતની વસ્તુઓ ખરીદ કરવા માટે લોકો બજારમા નીકળી પડયા હતા. હાલ તો અમરેલી જિલ્લો ગ્રીન ઝોનમા છે. પરંતુ કયારે કોરોનાના કેસો બહાર આવે અને બજારો ફરી બંધ થાય તે અંગે લોકોમા આશંકા હોય લોકો આ છુટછાટના સમયમા જ ખરીદી કરી લેવાના મુડમા નજરે પડયા હતા.
સ્થળ બદલાવતા શાકભાજી- ફ્રુટનો વેપાર બંધ રાખી વિરોધ કરાયો
લીલીયામા શાકભાજી અને ફ્રુટના વેચાણનુ જુનુ સ્થળ બદલી આજે નવા સ્થળ પર લઇ જવાયુ હતુ. જેનો શાકભાજી અને ફળના વેપારીઓએ વિરોધ કર્યો હતો અને આજે તેનુ વેચાણ બંધ રાખ્યું હતુ.
લીલિયામાં પણ દોઢ મહિને બજારો ખુલી
લીલીયા શહેરમા પણ આજે જ વેપાર ધંધાનો આરંભ થયો હતો. ફરસાણ, સ્ટેશનરી, ફુટવેર અને હેર કટીંગ સલુન જેવી દુકાનોમા લોકોનો ધસારો વધુ હતો.
કુંડલા ફરસાણના વેપારીઓ તંત્રની ચકાસણીની રાહમાં
સાવરકુંડલામા પણ આજે બજારો ખુલી હતી. અહી વેપારીઓ સતર્ક નજરે પડયા હતા. મોટાભાગના ફરસાણના વેપારીઓ તંત્રની ચકાસણી થઇ જાય તેની રાહ જોઇ રહ્યાં છે. લાંબા સમયે શહેર પુન: ધબકતુ થયુ હતુ.
ધારીમાં માસ્ક ન પહેરનાર 3500 દંડાયા
ધારીમા પ્રાંત અધિકારી હિતેષ જનકાર, મામલતદાર પી.કે.ઝાલા, ગ્રામ પંચાયતના ભીખુભાઇ માઢક, ભચાભાઇ તથા પોલીસ સ્ટાફે પગપાળા શહેરની બજારમા ફરી ગ્રાહકો અને વેપારીઆેને નિતી નિયમોની સમજ આપી હતી. શહેરમા માસ્ક નહી પહેરનારા 3500 લોકોને 11500નો દંડ કરાયો હતો.
- divyabhaskar