- સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી, જંગલમાં જ અગ્નિદાહ આપ્યો
અમરેલી: ધારીના હડાળા રેન્જના ટીમબવળામાંથી 9 વર્ષના સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વિજય રૂપાણી આજે સિંહદર્શન કરવાના હોય ત્યારે સિંહનો મૃતદેહ મળતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વન વિભાગને આ સિંહના મૃતદેહ અંગે 20 દિવસે જાણ થઇ છે. આથી જંગલમાં પેટ્રોલિંગ કરવાને બદલે વન વિભાગના અધિકારીઓ ચેમ્બરોમાં આરામ કરી રહ્યાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
વન વિભાગ માટે સિંહના મૃતદેહને ઓળખવો મુશ્કેલ બન્યો
ખાંભા તુલસીશ્યામ રેન્જના ટીમબવળા રાઉન્ડમાં બેલાના આળા વિસ્તારમાંથી 9 વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહનું 20 દિવસ પહેલા મોત થયું હોય સિંહના મૃતદેહને વન વિભાગને ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. ત્યારે આ સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી. સિંહના મૃતદેહનો પીએમ રિપોર્ટ કરી જંગલમાં જ અગ્નિદાહ આપ્યાનું જાણવા મળ્યું છે.
ધારી ગીર પૂર્વમાં 6 મહિનામાં 20થી વધુ સિંહોના મોત
2019નું વર્ષ ધારી ગીર પૂર્વમાં સિંહોની મરણભૂમિ બની રહી છે. છેલ્લા 6 મહિનામાં 20થી વધારે સિંહો મોતને ભેટી ચૂક્યા છે અને વન વિભાગ સિંહોના મોત ઇન્ફાઇટ અને કુદરતી રીતે ખપાવી દેવામાં માહિર બન્યું છે અને મૃત સિંહનો પીએમ રિપોર્ટ પણ જાહેર કરતું નથી.