સુરતના વેપારી પાસે કાપડ મંગાવી બાકી પેમેન્ટ રૂ.3.12 લાખ નહીં કરનાર વડોદરાના વેપારી અને દલાલની ધરપકડ

સુરત, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

સુરતના રીંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટના વેપારી પાસેથી રૂ.3.62 લાખનું કાપડ મંગાવી તે પૈકી માત્ર રૂ.50 હજાર ચૂકવી બાકી પેમેન્ટ રૂ.3.12 લાખ આજદિન સુધી નહીં ચુકવનાર વડોદરાના વેપારી અને દલાલની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના ભટાર ક્રુષ્ણા કોમ્પલેક્ષ 602 માં રહેતા 41 વર્ષીય અમિતભાઈ પ્રેમપ્રકાશ બત્રા રીંગરોડ યુનિવર્સલ ટેક્ષટાઇલ માર્કેટમાં સંત ફેબ સ્ટુડીઓના નામે કાપડનો વેપાર કરે છે. લગભગ એક વર્ષ અગાઉ વડોદરાના વાઘોડીયા ડભોઇ રીંગ રોડ આજવા રોડ સાંઇ બાબા મંદીર પાસે પરીવાર ચાર રસ્તા હાર્મોની ફલેટસ એ/102 માં રહેતા કાપડ દલાલ રોહિત બાબુભાઇ શર્મા અને શ્રીનાથજી ટ્રેડર્સના નામે કાપડનો વેપાર કરતા અશોક દોલતરામ મોનાની ( રહે.એ/2, સ્વામીનારાયણ ડુપ્લેક્ષ રો-હાઉસ, આયુર્વેદીક રોડ, વાઘોડીયા રોડ, વડોદરા તથા પૌવાવાલાની ગલી, નવાબજાર, વડોદરા અને જે/101, શ્રી સિધ્ધેશ્વર હોમ, ડ્રિમ ગાર્ડન સામે, શ્રીનાથજી હાઇવ્યુ પાસે,વી.એમ.સી. પાણીની ટાંકી પાસે, સયાજી ટાઉનશીપ રોડ, ન્યુ.વી.આઇ.પી.રોડ, ન્યુ કારેલીબાગ, વડોદરા ) એ તેમનો સંપર્ક કરી સમયસર પેમેન્ટના વાયદા કરી સાથે ધંધો કરવા કહ્યું હતું.

અમિતભાઈએ 3 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર 2019 દરમિયાન અશોકભાઈને કુલ રૂ.3,62,401 ની મત્તાનું કાપડ મોકલ્યું હતું. અશોકભાઈએ તેમાંથી માત્ર રૂ.50 હજારનું પેમેન્ટ કર્યું હતું. જયારે બાકી પેમેન્ટ રૂ.3,12,401 નું પેમેન્ટ કરવાને બદલે અશોકભાઈએ ગાળાગાળી કરી ધમકી આપી હતી કે, પેમેન્ટ મળશે નહી થાય તે કરી લે, હવે પછી પેમેન્ટની માંગણી કરી છે તો જાનથી મારી નાખીશ. છેતરપિંડીની આ ઘટનામાં અમિતભાઈએ ગત શનિવારના રોજ વેપારી અને દલાલ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે ગતરોજ વેપારી અશોક દોલતરામ મોનાની (સિંધી) ( ઉ.વ. 45 ) અને દલાલ રોહિત બાબુભાઇ શર્મા ( ઉ.વ. 50 ) ની ધરપકડ કરી હતી.Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here