વડોદરા, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું જણાવી ત્રણ વ્યક્તિઓ પાસેથી 3.80 લાખ પડાવી લેનાર ત્રિપુટીને ફરિયાદના આધારે વારસીયા પોલીસે ઝડપી પાડી અન્ય કોઈ આ ભેજાબાજ ત્રિપુટીની જાળમાં ફસાયું છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા નરેશભાઈ મારવાડી નવા બજાર વિસ્તારમાં મકવાણા બ્રધર્સ નામે વજન કાંટાની દુકાનમાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે અઢી વર્ષ અગાઉ તેમના વિસ્તારમાં જ રહેતા અર્જુનભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, હરિજનવાસમાં રહેતા હિતેશ ખેમચંદાણી મુખ્યમંત્રી આવાસ યોજનાના ફાળવેલ મકાનો આપવાનું કામ કરે છે. તમારે મકાન જોઈતું હોય તો વાત કરજો હું તમારો પરિચય કરાવી આપીશ ત્યારબાદ અર્જુન અને હિતેશ નરેશ ભાઈના ઘરે પહોંચ્યા હતા વાતચીત બાદ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન હેતુ રૂપિયા 30 હજાર રોકડા આપ્યા હતા અને બાકીના ચેક સહિત કુલ 1.40 લાખ ચૂકવ્યા હતા ત્યારબાદ ફોઈની દીકરી અલકા મારવાડી ( રહે – અંબે માતાના મંદિર પાસે , ફતેપુરા ) પાસેથી 1.20 લાખ અને ઇદાયત વ્હોરા (રહે – ભાંડવાડા , ફતેપુરા ) પાસેથી મકાન માટે 1.20 લાખ લીધા હતા. અને મકાનની વાત કરતા સબસીડી માટે તમારૂ કામ અટકેલ છે સબસીડી આવશે એટલે તમારૂ મકાન મળી જશે તેવો દિલાસો આપતા હતા જે બાદ તેઓના રૂપિયા પાછા માગતા તેણે મળતીયા ગિરધર ભાઈ પરમાર( રહે – બાપોદ વુડાના મકાન પાસે, વડોદરા )ના સહયોગથી કુરીયર મારફતે સાડા ચાર લાખના ચેક મોકલ્યા હતા જે બાઉન્સ થયા હતા.
વારસિયા પોલીસે ભેજાબાજ હિતેશ અર્જુન અને ગિરધર વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ભેજાબાજે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે પૈસા પડાવી છેતરપિંડી આચરી હોવાની વિગતો સાંપડી છે. જો તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો અન્ય ઠગાઈના કિસ્સાઓ પણ બહાર આવવાની શક્યતાને નકારી શકાય નહીં.
Source link Gujarat Samachar