જામનગર, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતો સરફરાજ ખમિસા નામનો 21 વર્ષનો યુવાન ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાનાં અરસામાં પોતાના સાડા તેર વર્ષના કિશોર સાથે ચેકડેમમાં ન્હાવા માટે ગયો હતો. તેનો સાળો ડેમના કાંઠે બેઠો હતો. જ્યારે પોતે પાણીમાં ઝંપલાવ્યું હતું. દરમિયાન એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબી ગયો હતો.
આ ઘટના પછી સરફરાઝના સાળાએ બૂમાબૂમ કરી મૂકી હતી, અને પરિવારજનોને બોલાવી લીધા હતા. જેથી મોટાભાઇ સુલતાનભાઈ વગેરે ચેકડેમના કાંઠે દોડી આવ્યા હતા, અને ફાયરબ્રિગેડને જાણ કરાતા સૌપ્રથમ ફાયર બ્રિગેડ ની ટુકડી ગઈકાલે બપોરે પહોંચી હતી, અને મોડી રાત્રી સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ સરફરાજનો કોઈ પત્તો મળ્યો ન હતો.
આજે વહેલી સવારે સાતેક વાગ્યાથી ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ચેકડેમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનનું તાજેતરમાં જ સગપણ થયું હતું, અને પોતાના સાળાને લઈને નાહવા માટે ગયો હતો. જ્યાં પોતે ડૂબી ગયો હતો.
Source link Gujarat Samachar