અમરેલીમાં ધારાસભ્ય પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી

અમરેલી તા.9

અમરેલી તાલુકાની મુખ્ય સહકારી સંસ્થા અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીની 34મી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન મોહનભાઈ કે. નાકરાણીના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ મિટીંગમાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાર્ષિક અહેવાલ રજૂ કરી ગત સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વંચાણે લઈ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ સંસ્થાને સને 2019/20ના વર્ષમાં માતબર રૂા. 12,76, 563/95નો નફો કરેલ છે.

અને પ્રમુખ સ્થાનેથી મોહનભાઈ નાકરાણીએ સભાસદ મંડળીઓના રહેલા શેર ઉપર 15 ટકા ડિવીડન્ડ જાહેર કર્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે, આ સંસ્થા છેલ્લા 21 વર્ષથી લગાતાર 15 ટકા ડિવીડન્ડ આપે છે જે કોઈપણ બીજી સહકારી સંસ્થાઓ આપતી નથી.

સંસ્થાના વાઈસચેરમેન દલસુખભાઈ દુધાતે વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી તેમજ માર્કેટયાર્ડના અને નાગરિક સહકારી બેંક લી.ના માજી ચેરમેન પી.પી. સોજીત્રા હાજર રહીને ચેરમેન મોહનભાઈ નાકરાણી તેમજદલસુખભાઈ દુધાત તેમજ બોર્ડ ઓફ ડાયરેકટર તરફથી કરવામાં આવેલ કરકસર યુકત કાર્યવાહીને બિરદાવી હતી.

આ પ્રસંગે હરિભાઈ સાંગાણી, તાલુકા પંચાયતના પ્રમુખ અને સંસ્થાના ડાયરેકટર કીર્તીભાઈ ચોડવડીયા, રમેશભાઈ કોટડીયા, બટુકભાઈ ખૂંટ તથા મધુભાઈ સાવલીયા, ઘુસાભાઈ કીકાણી, જયંતીભાઈ ચકરાણી, દેવેન્દ્રભાઈ પાદરીયા, ભુપતભાઈ હપાણી, હરેશભાઈ વઘાસીયા, બાબુભાઈ સોજીત્રા વિગેરેએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

અંતમાં સંસ્થાના ડાયરેકટર સાંગાભાઈ સાવલીયાએ આભારવિધિ કરી હતી. તેમ સંસ્થાના એમ.ડી. વિઠ્ઠલભાઈ તારપરાની યાદી જણાવે છે.

Source: Sanj Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here